છૂંદણાંનો મોર કરી રાખું

આવો તો સાજણ,છૂંદણાંનો મોર કરી રાખું.

જીવતરના વગડામાં આવી મળો જો તમે-
શબરીનાં બોર જેમ ચાખું.
…છૂંદણાંનો મોર કરી રાખું.
આવો તો સાજણ,
સમદરની છોળ્ય જેમ ભળીએ;
આવો તો સાજણ,
અવની ને આભ જેમ મળીએ-
એકાદું વેણ-શેણ પાળવાનું હોય તો
આયખાની હોડ બકી નાખું.
…છૂંદણાંનો મોર કરી રાખું.

આવો તો સાજણ,
પૂનમનું પાનેતર ઓઢું,
આવો તો સાજણ,
ચંદરથી રૂપ કરું દોઢું;
વાવડિયા મોકલો જો આવવાની દશ્યુંના તો ;
ઉગાડું અંગ-અંગ પાંખું.
…છૂંદણાંનો મોર કરી રાખું.

આવો તો સાજણ,
અષાઢી આભ જેમ વરસું,
આવો તો સાજણ,
વૈશાખી ભોમ જેમ તરસું;
આખો અવતાર સંગ કાઢવાની વાત તોયે-
શું રે પડે છે હવે વાંકું?
…છૂંદણાંનો મોર કરી રાખું.

(ટહુકો)

 

 

 

Advertisements

મે 27, 2009 at 2:28 પી એમ(pm) 2 comments

મારી પાંપણોને લાગ્યો છે થાક

મારી પાંપણોને લાગ્યો છે થાક,
વાટ્યુંની વનરામાં આયખું અટવાણું,
મારગ વચાળે ક્યાંક પગરણ પલટાણું.
સગપણની છાજલીઓ નેણલે ટેકાવી
આંસુ સંઘરવા લાખ-લાખ…
મારી પાંપણોને લાગ્યો છે થાક!

વિતેલી વાતોના આવા ના હોય ખેદ,
વાગે જો વાંસળી વાંસળીએ હોય છેદ,
સાજણ કહેવાય આખું કાળજ બળેને તોય
ઊડે ના ચપટીભર રાખ….
મારી પાંપણોને લાગ્યો છે થાક!

સમદરને હોય છે હિલોળ સંગ નેહ,
દીધા વદાડમાં પાછો વળે છે મેહ,
નેડો-સનેડો તો સમજણની વાત હોય,
જીવતી રહી છે જોવા આંખ…
મારી પાંપણોને લાગ્યો છે થાક!

જીવતરનું જાગરણ સંબંધનો શ્રાપ કહું..?
અજંપા-ઓરતા સાજણ માનીને સહું…?
હૈયાની હામને કેમ કરી રાખું હાથ..
જ્યાં સમણાંની ઊડે છે ખાખ….
મારી પાંપણોને લાગ્યો છે થાક..!

જુલાઇ 17, 2011 at 1:59 પી એમ(pm) 1 comment

શું રે જવાબ દઈશ માધા…?

દ્વારકામાં કોઇ તને પુછશે કે,

કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા…?

તો શું રે જવાબ દઈશ માધા…!?


તારું તે નામ તને યાદ નો’તું તે’દિ થી ,

રાધાનું નામ હતું હોઠે,

ઠકરાણાં-પટરાણાં કેટલાંય હતાં તોય ,

રાધા રમતી’તી સાત કોઠે,

રાધાવિણ વાંસળીનાં વેણ નહીં વાગે,

શીદને સોગંદ એવા ખાધા…?

તો  શું રે જવાબ દઈશ માધા…!?


રાધાના પગલાંમાં વાવ્યું વનરાવન –

ફાગણ બનીને એમાં મહેક્યો,

રાધાના અકેકા શ્વાસ તણે ટોડલે,

અષાઢી મોર બની ગહેક્યો,

આજ આઘેરાં થઈ ગ્યાં કાં રાધા ને વાંસળી,

એવાં તે શું પડ્યા વાંધા…?

તો શું રે જવાબ દઈશ માધા…!?


ઘડીકમાં ગોકુળ ને ઘડીક વનરાવન,

ઘડીકમાં મથુરાના મહેલ,

ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ,

ઘડીક કુબજાની સંગ ગેલ,

હેતપ્રીત ન્હોય રાજખટપટના ખેલ કાન,

સ્નેહમાં તે હોય આવા સાંધા…?

તો શું રે જવાબ દઈશ માધા…?


કૄષ્ણનો જવાબ:


“ગોકુળ વનરાવન,ને મથુરા ને દ્વારકા

એ તો  પંડ્યે છે પહેરવાના વાઘા,

રાજીપો હોય તો અંગ પર ઓઢીએ,

નહીં તો રખાય એને આઘા,

આ સઘળો સંસાર મારો સોળે શણગાર પણ ,

અંદરનો આતમ એક રાધા…

હવે પૂછશો મા કોણ હતી રાધા…”

ડિસેમ્બર 22, 2009 at 9:08 એ એમ (am) 1 comment

ઠપકાનાં વેણ

દ્વારકાની દશ્ય કોર્ય જાઓ તો
શ્યામને કહેજો બે ઠપકાનાં વેણ.
તારી યાદુંના ભોરીંગ અંતરને ઓરડે ,
ભૂંરાટા ભટકે દિ-રેણ.
એને કહેજો બે ઠપકાનાં વેણ.

ગોકુળની ગોરજ હવે પાંપણ પર પાથરે
પીડાના પથરાળા પહાડ,
તારા પગલાં પડ્યાં  છે ત્યાં છબે છે પાનીયું
તો ઉગે છે વેદનાનાં ઝાડ,
હોય વેરીનાં વેર તો હરખે જીરવીએ
તું તો વેરી જેમ વેડે છે શેણ.
એને કહેજો બે ઠપકાનાં વેણ.

મથુરાના પાદરમાં ખળકે છે એક જોડ્ય
બેવડ નદીયુંમાં ઘોડાપૂર,
એક કોર્ય આંસુના તુટ્યા છે આડબંધ
ને-જમના બની છે ગાંડીતૂર,
માણસ હોવાનો કંઇક રાખજે મલાજો
હવે કોઇ’દિ નહીં મોકલું કહેણ.
એને કહેજો બે ઠપકાનાં વેણ.

તું આવે ન આવે એ મરજી છે તારી
પણ અરજીનું રાખજે ઓસાણ,
પંડ્ય પડી જશે એની પરવાયું નથી
તને જોવાની રહી જાશે તાણ,
હવે તો આવતા અવતારે તું રાધા ને શ્યામ હું
સમજી લઈશું લેણ-દેણ.
એને કહેજો બે ઠપકાનાં વેણ.

(ટહુકો)

જુલાઇ 8, 2009 at 2:30 એ એમ (am) Leave a comment

તને રાધા ગમે કે ગમે મીરા

કાન તને રાધા ગમે કે ગમે મીરા..?
એકે કાળજે કરવત મૂક્યાં
એકે પાડ્યા ચીરા
કાન તને રાધા ગમે કે ગમે મીરા..?


એકે જોબનઘેલી થઈને તને નાચ નચાવ્યો,
એકે જોબનધૂણી માથે તારો અલખ જગાવ્યો
એકે તને ગોરસ પાયાં-
એકે ઝેર કટોરા..!
કાન તને રાધા ગમે કે ગમે મીરા..?


પચરંગી પાનેતર તું વિણ રાધે કદી ન પહેર્યો
મખમલિયાં મલીર મીરાના અંગે કદી ન લહેર્યો,
એકે ઓઢી શ્યામ ઓઢણી-
એકે ભગવા લીરા..!
કાન તને રાધા ગમે કે ગમે મીરા..?


મલક બધાનો મૂકી મલાજો રાધા બની વરણાગણ,
ભર્યો ભાદર્યો મૂકી મેડતો મીરા બની વેરાગણ ,

એક નેણની દરદ-દીવાની-બીજી શબદ શરીરા..!
કાન તને રાધા ગમે કે ગમે મીરા..?


“હું કોનો છું પૂછો એટલું-મળે ક્યાંય જો રાધા,
મળે ક્યાંય જો પૂછો મીરાને કોને વહાલો માધા?
મારે અંતર રાધા વેણુ વગાડે-
ભીતર મીરા મંજીરા…!
મારે તો મીરા-રાધા-મીરા…!”

(ટહુકો)

જુલાઇ 8, 2009 at 1:54 એ એમ (am) 1 comment

આપે તો આપ

શ્યામ આપે તો આપ
મને ટહુકાનું સુખ,
પછી,સાંભળવું-સૂણવું ધૂળ.


તારા ઘૂઘવતા દરિયાનું મારે શું કામ?
હું તો રેત્યુંમાં પાંગરતી પ્રીત,
તારી જમનાને ગોમતીની કોને ગરજ!
હું તો ભીતરની નદીયું નું ગીત,
શ્યામ આપે તો આપ મને મેહુલિયો સાદ
પછી,વહાલી આ વિરહની શૂળ.
પછી,લઈ જાને આખું ગોકુળ.


તારા આશરાના આભને શું રે કરું
સાવ ઓરું ને લાખ ગાઊ દૂર,
સાગર ભરી દેતો ભલે તારો વરસાદ
મારા મધરણમાં લાવશે ન પૂર,
શ્યામ આપે તો આપ મને મેઘલ મેળાપ
પછી,આયખાભર છોને વ્યાકુળ.
પછી,લઈ જાને આખું ગોકુળ.

(રાધા એટલે…)

જુલાઇ 8, 2009 at 1:28 એ એમ (am) Leave a comment

સમણાંની ડાળે ઉગ્યાં છે ગુલમહોર

સમણાંની ડાળે ઉગ્યાં છે ગુલમહોર-
સાંજ ને સવાર આવી ઝૂર્યા કરે છે રોજ અકેકા પાંદડે ચકોર;
                                    સમણાંની ડાળે ઉગ્યાં છે ગુલમહોર

આંખો ચૂવે ને રૂવે પાંપણની ઝંખના, ઉઘાડા જીવતરની કોરી ખાય વંચના
આંગણાની ધૂળમાં યાદોનાં રણ ઉગે,નેણામાં ઉગે છે થોર..
                                    સમણાંની ડાળે ઉગ્યાં છે ગુલમહોર

સુખનું એકાંત રોજ સાલે છે શૂળ થઇ,સ્મરણો આ મારગમાં ખટકે છે ધૂળ થઇ
આવે અષાઢ કે’દી જીવતરના ટોડલે,કણસે છે રોજ અહીં મોર…
                                    સમણાંની ડાળે ઉગ્યાં છે ગુલમહોર

                                    (ટહુકો)

મે 27, 2009 at 2:07 પી એમ(pm) Leave a comment

Older Posts


શ્રેણીઓ

  • Blogroll

  • Feeds


    %d bloggers like this: